Wednesday, April 15, 2015

પ્રણવ ૐકાર

વિવેચન
ॐकारं बिन्‍दु संयुक्‍तं नित्‍यं घ्‍यायन्‍ति योगिनः ।
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ।।
(શિવષડક્ષર સ્ત્રોત મં.૧)

(પ્રણવ ૐકારને, બિન્‍દુ સહિત અર્થાત બિન્‍દુ પરમાત્‍માના મંત્ર સહિત અગર પ્રણવને પરમેશ્વરનો વાચક માની બિન્‍દુ સહિત ૐકાર વડે, જ્ઞાની - યોગી પુરુષો નિત્‍ય ઘ્‍યાન - ઉપાસના કરતા આવ્‍યા છે અને કરે છે. તે પ્રણવ ૐકાર મનોકામનાઓ સિઘ્‍ધ કરનારો અને મોક્ષ આપનારો છે. તેથી જ હું મોક્ષાકાંક્ષી, તે ૐકારને નમન કરું છું. એમ કહેલું છે. મોક્ષેચ્‍છુ વા મુમુક્ષુઓએ પ્રણવ મંત્રથી પરમેશ્વરનું ઘ્‍યાન કરવું અને જ્ઞાન સહિત સાધના કરવી, તેનુંજ નામ મોક્ષધર્મ યા મોક્ષમાર્ગ છે.) 

ૐ સર્વનું મૂળ છે
(મનહર છંદ)

ૐ વેદો તણું મૂળ, ૐ ગાયત્રી નું મૂળ ; ૐ એકાક્ષર મંત્ર, ગીતામાં વખાણ્‍યો છે. 
ૐ છે વાણીનું મૂળ ૐ બાવનનું મૂળ ; ૐ જાપ જપવામાં, શિવજીએ નાણ્‍યો છે. 
ૐકારેશ્વર નામ, કલ્યાણ વાચક ૐ; ૐ છે પ્રણવ મૂળ ; ૐ તત્વ તાણ્‍યો છે. 
ૐ આખું વિશ્વ બીજ, ૐ છે અક્ષર ચીજ, ૐ ૐ ૐ સત્‍ય, વલ્લભે તે જાણ્‍યો છે.

(વિજ્ઞાન વલ્લભ - ગ્રંથ)
મંત્રો બહુ છે વેદના પણ, તત્વ મંત્ર ૐ છે.

(વલ્લભ વિષ્ટિ ભાગ. ૩ પદ- ૭૩)

“परमेश्वरस्‍य प्रथमं प्रथमश्वास निर्गत: ॐकार इति”
(મહાવાક્‍યેષુ)

“પરમેશ્વરનો પ્રથમ શ્વાસ નીકળતાં જ પ્રથમ ૐકાર નીક્‍ળ્‍યો. તે આકાશમાં વ્‍યાપક થઈ જવાથી ‘ખં બ્રહ્મ’ અને ‘શબ્‍દ બ્રહ્મ’ કહેવાયો છે. સૌ પ્રથમ નારાયણે પંચમુખી બ્રહ્માને ; બ્રહ્માજીએ મરીચિ આદિ સ્‍વપુત્રોને તથા સનકાદિ માનસપુત્રોને ૐકારનો બોધ કર્યો છે.” 

‘પ્રણવનો સાચો અને પૂર્ણ અર્થ માત્ર મહાદેવ જ જાણે છે. તે સિવાય બીજા કોઇ પ્રણવનો સાચો અને પૂરો અર્થ જાણતા નથી.’ છતાં મહાદેવની કૃપાથી ‘પ્ર’ પ્રકૃતિ અને ‘નવમ’ એટલે નૌકા અથાર્ત પ્રકૃતિથી વ્‍યાપ્ત સંસાર સાગરને તારનારી પ્રણવરૂપ નૌકા છે તેથી ‘પ્રણવ’ કહ્યો છે. બીજા અર્થમાં ‘પ્ર’ એટલે પાપ પ્રપંચવાળી માયા, ‘ન’ એટલે નથી અને ‘વ’ એટલે તમારામાં, અથાર્ત ‘પ્ર + ન + વ’ એવા પ્રણવના જાપકે, તમારામાં કોઈ પાપ - પ્રપંચ કે માયા નથી. માટે તમે શુઘ્‍ધાત્‍મા છો એમ કહ્યું છે તેવા પ્રણવ જાણનારાને અપ્રકટ પ્રણવ, એટલે કોઇ રીતે દેહેન્દ્રિયો દ્વારા ઉચ્‍ચાર ન થાય તે રીતે આત્‍મબ્રહ્મ તત્વથી જપનારને જે મોક્ષ આપે તેને ‘પ્રણવ’ કહેલો છે. તે ૐકારથી બોલાતી વાણી બૃહતીવાણી આત્‍મગમ્‍ય છે અને તે હૃદયાકાશમાં પરમાત્‍મા વડે જ અભિવ્‍યક્‍ત થાય છે. તે સ્‍વયં પ્રકાશ પરમાત્‍મા, પરંબ્રહ્મનો વાચક, સર્વ મંત્રોનું મૂળતત્વ અને વેદોનું ઉત્પતિ સ્‍થાન, તે સનાતન પ્રણવ છે. અથાર્ત પ્રણવ વડે પરમાત્‍માનું ઘ્‍યાન કરવું તે જ વેદોનું, મોક્ષધર્મનું યા મોક્ષમાર્ગનું રહસ્‍ય છે. 

ॐकारं यो न जानाति, ब्रह्मणो न भवेत्तु सः ।।

(કઠોપનિષત)

જે ૐકાર (પ્રણવ) ને જાણતો નથી તે બ્રહ્મજ્ઞાની અથવા બ્રહ્મમાં તન્‍મય થઇ શક્‍તો નથી, તેથી તેને મોક્ષપ્રાપ્તિ થતી નથી. 

ॐदेवानाम् प्रथमः ।

(મુંડકોપનિષત)
‘ૐકાર તમામ દેવો - ઇશ્વરોના પહેલાંનો છે’ 

‘ॐ मित्‍येकाक्षर ब्रह्म’

(સૂર્યોપનિષત)
શુકદેવ ઉવાચ : ‘પ્રણવ અક્ષર બ્રહ્મ છે’ तस्‍य वाचक: प्रणव :

(યોગ દર્શન, સમાધિપાદ, સુત્ર-૨૭)

તે પ્રણવ પરમેશ્વરનો વાચક હોવાથી પ્રણવનું વાચ્‍ય પરમેશ્વર છે. ભૂત, ભવિષ્‍ય અને વર્તમાન ત્રણે કાળનું જ્ઞાન આપનારો ૐકાર છે. તેનું રહસ્‍ય એ છે કે ‘તસ્‍ય + ઉપ + વિ + આ + ખ્‍યાનમ્’ પરમ બ્રહ્મ - પરમાત્‍માની સમીપે લઇ જનાર જો કોઇ શ્રેષ્ઠ સાધન હોય તો તે પ્રણવ છે. તેથી ‘તસ્‍યોપ વ્‍યાખ્‍યાનમ્’ કહેવામાં આવ્‍યું છે. 

ॐकारमाधं परमात्‍मारुपं संसारनाशे च समर्थमंत्रम

‘તમામ સંસારની ઉત્પતિ પહેલાં માત્ર ૐકાર હતો કે જેને પરમાત્‍મા મનાય છે. તે પ્રણવ સંસારનાં બંધનોને અને સંસારને નાશ કરે તેવો સમર્થમાં સમર્થ મંત્ર છે.’ 
ओमित्येकाक्षरं ब्रह्म व्‍याहरन्मामनुस्‍मरन ।
यः प्रयाति त्‍यजन्देहं स याति परमां गतिम् ।।

(શ્રી ભ. અ. ૮ શ્‍લોક-૧૩)
पिताहमस्‍य जगतो, माता धाता पितामहः ।
वेधं पवित्रमोकार ऋकसाम यजु़रेव च ।।

(શ્રી ભ. અ. ૯ શ્‍લોક-૧૩)

શ્રી કૃષ્‍ણપ્રભુએ ‘શ્રીમદ ભગવદ્ ગીતા’ માં ઉપરોક્‍ત શ્‍લોક દ્વારા જણાવ્‍યુ છે કે ‘ૐ એવા બ્રહ્મવાક્‍ય એકાક્ષર મંત્રને જપતો મારું સ્‍મરણ કરતો કરતો દેહ છોડે તે પરમગતિને પામે છે.’ ‘આ જગતને પિતા માતા પોષણ કરનાર પિતામહ એવો પવિત્રમાં પવિત્ર જાણવા યોગ્‍ય ૐકાર અને ત્રિવેદ તે હું છું’ માટે ૐકારને યથાર્થ જાણવો જોઇએ. ૐકાર શું છે ? ૐમાં શું શું છે ? ૐકારને યથાર્થ જાણ્‍યા વિના ગમે તેટલા ૐકાર જપે પણ લક્ષચોરાશીનું બંધન છૂટતું નથી. માટે મોક્ષેચ્‍છુઓ ૐ નું યથાર્થ જ્ઞાન મેળવો. પરમપદનિવાસી જ્ઞાનદાતા સદ્‍ગુરુશ્રી વલ્લભરામ તથા પ્રણવાધિવક્‍તા મોક્ષમાર્ગાચાર્ય સદ્‍ગુરુશ્રી રમુજીલાલે પ્રણવ ૐકારનું જ્ઞાન - વિજ્ઞાન એમના રચિત ધર્મગ્રંથો જેવા કે ‘ભાવાર્થ પ્રકાશ’, ‘વિજ્ઞાન વલ્લભ’, ‘વ્‍યાસ શુક સંવાદ યાને ભાગવત ધર્મ’ તથા ‘વલ્લભ પ્રણવ દર્શન’ વગેરેમાં પ્રકાશમાન કર્યું છે. શ્રી વલ્લભમાનવોઘ્‍ધારક મંડળ, વલ્લભાશ્રમ અનાવલ, તા. મહુવા, જી. સુરત, ગુજરાત, ભારત - આઘ્‍યાત્‍મિક વ્‍યાસ નગર પરિસરમાં ‘વલ્લભ - રમુજી પ્રણવ દર્શન સ્‍મારક’ અને ‘પ્રણવ ભવન’ આવેલુ છે. ‘પ્રણવ ભવન’નું ઉદઘાટન પ્રાતઃ સ્‍મરણીય પરમ પૂજય જયવર્ધન મહારાજશ્રીના કરકમલો દ્વારા મોક્ષધર્મ પરિવારનાં સાંનિઘ્‍યમાં પ્રણવાધિવક્‍તા મોક્ષમાર્ગાચાર્ય સદ્‍ગુરુશ્રી રમુજીલાલ મોક્ષ સંવત્‍સરી મહોત્‍સવ, પોષ વદ છઠના સુવર્ણમ્ દિને કરવામાં આવ્‍યું. આપણા સૌનું સૌભાગ્‍ય એટલા માટે કે આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં વિશ્વની એક અજાયબી : પ્રસાદી - મહાપ્રસાદીના પ્રતિક સમાન છે. 

‘ચાર વેદનું તત્વ જે પંચમ વેદ ૐકાર; 
જપ કરવામાં શ્રેષ્ઠ તે, ષટ્ શાસ્ત્રોનો સાર,’

(વલ્લભ વિષ્ટિ ભાગ. ૩. પદ ૧૦)
વેદમાં સૂક્ષ્મ વેદ જય જય વેદમાં સૂક્ષ્મ વેદ ; 
બ્રહ્મા વિષ્‍ણુ સદા શિવ, શોધન કરે સહુ ભેદ ; 
અ, ઉ, મ અક્ષર ત્રણ જય જય અ, ઉ, મ અક્ષર ત્રણ 
ઉપર માત્રા બિરાજે તત્વ જ ગુણ આવ્રણ ; 
બિન્‍દુ બાવન બ્‍હાર જય જય બિન્‍દુ બાવન બ્‍હાર ; 
મોક્ષમાર્ગીને વલ્લભ પ્રેમે પામ્‍યા પાર ...


એક ઝાડ ઉપર બેઠેલો જીવરૂપી પંખી, બીજા વૃક્ષ ઉપર બેઠેલા ઇશ્વર (શિવ) રૂપી પંખી પરસ્‍પર જુવે છે, એક બીજાને તે પક્ષીઓ બ્રહ્મનાદ યાને બ્રહ્મની નાદ વાણીમાં ટહુકાર કરે છે. બોલાવે છે તે જ પરમાત્‍મા પરમેશ્વરરૂપી કોયલનો ટહુકો ‘પ્રણવ ૐકાર’ છે. 

प्रणवो धनुः शरोह्रयात्‍मा ब्रह्म तल्लक्ष्यमुच्‍यते ।
अप्रमत्तेन वेह्रव्‍यं शरवत्तन्‍मयो भवेत ।।

(શ્રી અથર્વવેદીય મુણ્‍ડકોપનિષત્ર મુણ્‍ડકર ખંડ, મંત્ર-૪)

‘ૐકાર પ્રણવ ધનુષ્‍ય્‍ા છે, આત્‍મા બાણ છે અને તે બાણનું લક્ષ્ય બિન્‍દુ પરમ બ્રહ્મ - પરમાત્‍મા છે માટે સહેજ પણ આળસ કર્યા વિના ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને સાવધાનપણાથી (આત્‍મયોગ) વેધ કરવો જોઇએ. (આત્‍માને પરમબ્રહ્મમાં તલ્લક્ષ્ય બનાવી દેવો)’ 
ઉર્ઘ્‍વમૂળ - ઉર્ઘ્‍વ વૃક્ષ
उर्घ्‍वमूलमघ: शाखमश्‍चत्‍थं प्राहुरव्‍ययम् ।
छन्‍दांसि यस्‍य पर्णानि यस्‍तं वेद स वेदवित् ।।
अधश्वोर्घ्‍व प्रसुतास्‍तस्‍य शाखा ।
गुणप्रवृघ्‍धा विषयप्रवाला:
अधश्‍च मूलान्‍यनुसंततानि
कर्मानुबन्‍धीनि मनुष्‍यलोके
न रूपमस्‍येह तथोपलभ्‍यते
नान्‍तो न चादिर्न च संप्रतिष्ठा
अश्‍चत्‍थमेनं सुविरुढमूल –
मसङ्गशस्त्रेण दढेन छित्‍वा
ततः पदं तत्परिमार्गितव्‍यं
यस्‍मिन्गता न निवर्तन्‍ति भूय :
तमेव चा पुरुषं प्रपधे
यतः प्रवृति: प्रसुता पुराणी ।।

(શ્રીમદ્ ભગવદ્ ગીતા અ. ૧૫ શ્‍લોક ૧ થી ૪)

વિશ્વરૂપી વૃક્ષના મૂળ રૂપ પરમાત્‍મા છે, થડ રૂપ નારાયણ (અક્ષરબ્રહ્મ) છે, ડાળાંરૂપ શક્‍તિ, શિવ, વિષ્‍ણુ, ચતુર્મુખી બ્રહ્મા (ઇશ્વરો) છે, પાંખડારૂપ ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય, આદિ (દેવ દેવીઓ) છે. પાંદડારૂપ જડાત્‍મા (કીટ, પતંગ, પશુ પક્ષી ઇત્‍યાદિ) છે અને ફળરૂપ મનુષ્‍યાવતારી આત્‍માઓ છે. આવી રીતે વૃક્ષને ૐકાર સાથે સરખાવાય છે.’ 

(મનહર છંદ) 
ઊર્ઘ્‍વ મૂળ મઘ્‍ય શાખા, વૃક્ષ ગીતાએ વર્ણવ્‍યુ ; 
ૐ માં તે સમજજો , રૂડું જ્ઞાન થાય છે. 
ઊંચું મૂળ પરમબ્રહ્મ વડુ, થડ તે સગુણ બ્રહ્મ ; 
ડાળાં રૂપી ઇશ્વરો, તે શાખાઓ ફેલાય છે. 
પાંખડા તે દેવકોટિ, સ્‍વર્ગના નિવાસી સહું ; 
ફળ, ફુલ, પત્ર રૂપી, લોક આ દેખાય છે. 
પત્ર રૂપી જડાત્‍મા છે, પુષ્‍યરૂપી જીવાત્‍મા છે ; 
ફળરૂપી મનુષ્‍યોને, આત્‍માઓ કહેવાય છે.

(વલ્લભ પ્રણવ દર્શન)

સંત કબીરજીએ ગાયું છે કે : 
‘ઊંચા તરૂવર ગગન ફળ, બિરલા પંછી ખાય; 
ઇસ ફળ સો ચાખત હૈ જો જીવત મર જાય.’


સદ્‍ગુરુશ્રી વલ્લભરામે પણ વલ્લભ વિષ્ટી ભાગ - ૩ માં જણાવ્‍યુ છે કે ‘વાવો વાવોને અક્ષય ઝાડ, અમૃત ફળ ખાઇ ખાઇને’, પ્રણવ ૐકારને અમૃત ફળ મોક્ષદાતા કહ્યાં છે તે ફળને ‘ખાઇ ખાઇને’ એટલે વારંવાર નિદિઘ્‍યાસન કરીને મેળવો અને તેનાં અમૃત ફળો ખાઇ શકે એટલે મોક્ષ અખંડસુખની પ્રાપ્તિ અને સદા દુખઃની નિવૃતિ કરી શકે. 
પ્રણવ ૐકારની સમજૂતી
ૐકારના મુખ્‍ય નવ વિભાગ
પ્રણવાધિવક્‍તા પરમ પૂજય સદ્‍ગુરુ શ્રી રમુજીલાલ વલ્લભરામ વ્‍યાસજીએ પ્રણવ ૐકારના નવ ભાગ તેમના રચિત ગ્રંથ “વલ્લભ પ્રણવદર્શન” માં બતાવ્‍યા છે તે આ પ્રમાણે છે.
  • બિન્‍દુ (પરમાત્‍મા)
  • તત્વગુણ અર્ધમાત્રા ( વિશ્વેશ્વર - વિશ્વંભર - નારાયણ )
  • સત્‍વગુણ અકારમાત્રા (ઈશ્વરધામ)
  • રાજસ ગુણ મકાર માત્રા (દેવોનું સ્‍થાન)
  • તામસ ગુણ ઉકારમાત્રા (જગત)
  • સત્‍વગુણી કડાંગ
  • રાજસગુણી કડાંગ
  • તામસગુણી કડાંગ
  • ત્રિગુણી ઊભી લીટી (ત્રણ ગુણોનો સંગમ - ઉકાર, મકાર, અકાર વચ્‍ચેની ઉભી લીટી )

અલૌકિક ૐ ના નવ સ્‍થાન
  • મન્‍વંતર (સન્‍તુ, સનત્‍ક્‍ુમાર, સનાતન અને સનક)
  • બ્રહ્મકૂપ યા બ્રહ્મસ્‍તંભ
  • સહસ્ત્રગ્રંથિ ધારણ, તેજસ બ્રહ્મ - વિભૂતિ આત્‍મા સ્‍થાન
  • દસ કળાત્‍મજયોતિ આત્‍મિક સ્‍થૂલ ત્‍યાગે છે તે સ્‍થાન
  • આકાશ વ્‍યાપક શબ્‍દબ્રહ્મ યા ૐ ખં બ્રહ્મ (ઉંધો ૐ ) સ્‍થાન
  • દ્વાદશ આત્‍મજયોતિ આત્‍મિક સૂક્ષ્મ ત્‍યાગે છે તે સ્‍થાન
  • ચતુર્દશકળા શુઘ્‍ધાત્‍મજયોતિ આત્‍મિક કારણ ત્‍યાગે છે તે સ્‍થાન
  • પંચોદશકળા આત્‍મિક મહાકારણ ત્‍યાગે છે તે સ્‍થાન
  • પરમાત્‍મા - પરમેશ્વર - જ્ઞાનમૂર્તિ પરમાત્‍મા આકાશે બિરાજે છે.
લોકિક ૐ ના નવ સ્‍થાન
  • ઉકાર માત્રા
  • મકાર માત્રા
  • સૂર્યલોક
  • ચંદ્રલોક
  • અકાર માત્રા
  • કડાંગના ચોસઠમુખી બ્રહ્મા
  • બ્રહ્મરન્દ્ર
  • ગૌલોક
  • અક્ષરધામ

ૐકાર એ શબ્‍દ બ્રહ્મ છે અને તેના પ્રથમ પાદને “અ” બીજાને “ઉ” અને ત્રીજાને “મ” કહેલો છે. વળી ચોથો પાદ અર્ધમાત્રા “અ” ની સાથે મળતાં “અ” ને બદલે “ઓ” બોલાય છે. શબ્‍દકારો - સ્‍વરકારો “અ” બોલવામાં જીભ, દાંત, તાળવુ કે હોઠ મળતા ન હોવાથી “અ” ને નિર્વિકાર માને છે, અને “અ” ની સાથે ચોથી “U” અર્ધમાત્રા મળતો “ઓ” થાય છે.
૧૬ આની માયાબળની વહેંચણી
  • ૧૦ આની માયાબળ - નારાયણ
  • ૧ આની માયાબળ - ૯૯૯ અંશાત્‍મા
  • ૧ આની માયાબળ - અક્ષરધામ અને પંચમુખી બ્રહ્મા
  • ૧ આની માયાબળ - અકાર
  • ૧ આની માયાબળ - મકાર
  • ૧ આની માયાબળ - કડાંગ અને ચોસઠમુખી બ્રહ્મા
  • ૧ આની માયાબળ - ઉકાર
૧૬ આની આત્‍મબળની વહેંચણી
  • ૧૦ આની આત્‍મબળ - નારાયણ
  • ૧ આની આત્‍મબળ - ૯૯૯ અંશાત્‍મા
  • ૧ આની આત્‍મબળ - અક્ષરધામ અને પંચમુખી બ્રહ્મા
  • ૧ આની આત્‍મબળ - અકાર
  • ૧ આની આત્‍મબળ - મકાર
  • ૧ આની આત્‍મબળ - કડાંગ અને ચોસઠમુખી બ્રહ્મા
  • ૧ આની આત્‍મબળ - ૮ પ્રકારના નારાયણમાં
બિન્‍દુની રૂપરેખા
આ બિન્‍દુને પ્રણવદર્શન નં. ૧ થી ૩ માં બતાવેલ છે. આ બિન્‍દુમાં જ્ઞાન સ્‍વરૂપ, પરમાત્‍મા પરમેશ્વર, સર્વેશ્વર, પરમજયોતિ, અમૃતમોક્ષ ઘ્‍યેય, જ્ઞેય, જ્ઞાનાકાર, તુર્યાતીત, અક્ષરાતીત, માયાતીત, કર્માતીત, વર્ણાતીત, ગુણાતીત, સર્વોત્તમ, અખંડાનંદ, પૂર્ણબ્રહ્મ અને પરમબ્રહ્મ છે. આ પરમાત્‍મા ષોડશબ્રહ્મ કળાત્‍માવાળા છે. તે પરમાત્‍મા પ્રજ્ઞાન છે. આ બિન્‍દુથી સમગ્ર ૐકાર શોભે છે અને નભે છે. આ પરમાત્‍માની મુક્‍તિને ‘સાયુજ્ય મુક્‍તિ’ કહેવામાં આવે છે. એટલે કે આત્‍માની પરમેશ્વર, પરમાનંદ, સચ્‍ચિદાનંદ, અખંડાનંદ સાથે કોઇ ભિન્નતા કે કોઇ રીતે જુદાપણું ન રહે, આત્‍મા - આત્‍મજયોતિ તે પરમાત્‍મામાં એકરૂપ, એકમતિ, એકગતિ, એકરંગ, એકઢંગ, એકસત્તા તમામ પ્રકારે એક થઇ જાય છે. જેમાં આ આત્‍મા છે અને આ પરમાત્‍મા છે એવી કોઇપણ પ્રકારની કંઈ પણ ભિન્નતા ન રહે અને જેની પ્રાપ્તિ થયા પછી આત્‍માને કદી જન્‍મ મરણના ફેરામાં આવવું ન પડે તે અહીં ‘ઉપદેશ’ એટલે કે બિન્‍દુરૂપ પરમાત્‍મા, પરમેશ્વર, અખંડાનંદ. 
ॐ पूर्णमंदः पूर्णमिदं पूर्णात्‍पूर्ण मृदच्‍यते पूर्णस्‍य पूर्णमादाय पूर्णमेवावशिष्‍यते ।

(ઇશા વાસ્‍યિોનિષ્‍ત્ર - પ્રથમ શ્‍લોક)
एकमेवाद्वितीय् ब्रह्म ।।

(શ્રી સામવેદીય છાંદોગ્‍યોયનિષત્ર) 
(પ્રપાઠક ૬, ખંડ ૧ મંત્ર ૧ અને પૈંગલોપનિષદ્ અ-૧ મંત્ર-૧)


બ્રહ્મ એટલે પરમાત્‍મા પૂર્ણ એક જ અને અદ્વિતીય છે. 

मायामात्रमिदं द्वैतमद्वैतं परमार्थतः । (श्रुति:)
असंगोहयहयंपुरूषः (श्रुति:)
सत्‍यं ज्ञानमनन्‍तं ब्रह्म ।।

(શ્રી કૃષ્‍ણ યજુર્વેદીય, તૈત્તિરીયોપનિષદ બ્રહ્મવલ્લી ર, અનુવાદક ૧ મંત્ર-૧)

ब्रह्मानन्‍दं परम, सुखदं कैवलं ज्ञानमूर्तिम्
जयोतिषामपि तज्जयोतिस्‍तमसः परमुच्‍यते
ज्ञानं ज्ञैयं ज्ञानगम्‍यं व्‍हदि सर्वस्‍य विष्तम्
(ગીતા- અ.૧૩ શ્‍લોક -૧૭)

અખંડ અવિચળ, મોક્ષપદ તે જ પરમેશ્વર સ્‍વરૂપની પ્રાપ્તિ છે. સાયુજ્ય મુક્‍તિ છે. તે પરમેશ્વરને જે આત્‍માઓ જ્ઞાન સ્‍વરૂપ સમજીને પરમેશ્વરના મંત્ર કોયલરૂપી ટહુકે પ્રણવ ૐકારના બ્રહ્મનાદ વડે આત્‍મજયોતિ - આત્‍મચેતના - કુટસ્‍થ બ્રહ્મ દ્વારા ઉપાસના - યોગ સાધના કરે છે તે પરમેશ્વરના સ્‍વરૂપમાં વિલીન થાય છે. 

પરમાત્‍મા
  • આત્‍મકળા: ૧૬
  • વેદ - સુક્ષ્મવેદ - તત્વ - આકાશ
  • માયાતીત છે, એટલે ત્રિગુણના ત્રિરૂપી માયાથી જુદા છે.
  • જ્ઞાનાકાર છે, એટલે તેમનું સ્‍વરૂપ જ્ઞાનનું બનેલું છે.
  • ચૈતન્‍યરૂપ છે, એટલે તેમનું સ્‍વરૂપ ચૈતન્‍ય છે.
  • આનંદરૂપ છે, તે અખંડાનંદ, અને પરમાનંદ છે.
  • નિર્ગુણ છે, કારણ કે તેમનામાં માયાના ત્રિગુણ નથી.
  • સગુણ છે, કારણ કે તેમનામાં મોક્ષનો ગુણ છે, જ્ઞાનનો ગુણ છે... વગેરે...
  • ન્‍યારા છે, કારણ કે તે બ્રહ્માંડથી જુદા છે, તેમના જેવું બીજુ કોઈ નથી.
  • વ્‍યાપક છે, તે એમની પરમગતિ દ્વારા આખા બ્રહ્માંડમાં ફેલાયેલા છે.


પરમગતિ (જ્ઞાનઃ ચૈતન્‍ય)
  • તાત્‍વિક શુઘ્‍ધ પરમગતિ પરમાત્‍માના મસ્‍તકની આજુબાજુ હોય છે તે ગતિ ૧૫ કળાની હોય છે.
  • શુઘ્‍ધ પરમગતિ બિન્‍દુમાં ફેલાયેલી છે. આ ગતિ ૧૪ કળાની છે.
  • શુઘ્‍ધ - અશુઘ્‍ધ પરમગતિ બિન્‍દુની બોર્ડર બનાવે છે, તે ગતિ પરમાત્‍માની આજુબાજુ ફર્યા કરતી હોય છે અને આ ગતિ ૧૨ કળાની છે.
  • અશુઘ્‍ધ પરમગતિ શુઘ્‍ધ પરમગતિમાંથી ઉત્પન્ન થઈ છે (નારાયણ) અને તે નારાયણના તત્વગુણી માયાથી મેલી છે અને આ ગતિ ૧૦ કળાની છે.


બ્રહ્માંડનો આકાશ (આત્‍માથી ભરેલો છે) 
  • પરમાત્‍માની ડાબી બાજુથી નવા આત્‍માઓ ઉત્પન્ન થઈ અને જગતમાં પ્રવેશ કરે છે.
  • પરમાત્‍માના જમણી બાજુથી મોક્ષે જનાર આત્‍માઓ જાય છે.
  • અને અનેક આત્‍માઓ બ્રહ્માન્‍ડનાં આકાશમાં ફસાયેલા છે.


બ્રહ્મકૂપ (મોક્ષ જનાર આત્‍માઓ ફસાય જાય છે) તારક મંત્ર 

મનવન્‍તર (નારાયણમાંથી ઉત્પન્ન થાય છે)
  • સન્‍તુ નારાયણના તત્વગુણમાંથી ઉત્પન્ન થયેલા છે.
  • સનતકુમાર નારાયણના સત્‍વગુણમાંથી ઉત્પન્ન થયેલા છે.
  • સનાતન નારાયણના રાજસગુણમાંથી ઉત્પન્ન થયેલા છે.
  • સનક નારાયણના તામસગુણમાંથી ઉત્પન્ન થયેલા છે.


અલૌકિક ૐ (નારાયણમાંથી ઉત્પન્ન થયેલા છે અને બ્રહ્માન્‍ડના આકાશમાં કાયમ સ્‍વરૂપે ફેલાયેલા છે) 

તેજસ બ્રહ્મઃ (વિભૂતિ આત્‍માનું અલૌકિક સ્‍થાન) 

બ્રહ્મરન્દ્ર (વિભૂતિ આત્‍માનું લૌક્‍ક્‍િ સ્‍થાન) 
અર્ધમાત્રાની રૂપરેખા
ૐકારમાં અર્ધમાત્રાનું સ્‍થાન પ્રણવદર્શન નં. ૨૪ - ૨૫ થી બતાવેલ છે. આ માત્રામાં વિશ્વેશ્વર નારાયણનો વાસ છે. તેઓ અર્ધમાત્રા અધિપતિ, વેદવક્‍તા, અક્ષરધામાધિપતિ, પરમબ્રહ્મ, તુરીયસ્‍વરૂપ , વિશ્વસ્ત્રષ્ટા, વિરાટ સ્‍વરૂપ પ્રકૃતિ પુરુષ અક્ષરબ્રહ્મ, વિશ્વોત્તમ, સત્‍યનારાયણ, માયા વિશિષ્ટ બ્રહ્મ નામે ઓળખવામાં આવે છે, અને તેઓ અષ્ટ કળાત્‍મકવાળા છે. તેઓની વાણી પરા, માયા તત્વગુણી, માયાનો વર્ણ શ્વેત (સફેદ) છે. દેહ મહાકારણ અને અવસ્‍થા તુર્યા છે. તેઓમાં વિજ્ઞાન છે. આ માત્રાનો વેદ ‘યજુર્વેદ’ છે અને તત્વ વાયુ છે. આ માત્રાની મુક્‍તિ ‘સામીપ્‍ય’ છે. એટલે કે અક્ષરબ્રહ્મ નારાયણ પ્રભુના સાનિઘ્‍યમાં તેમની સામે અક્ષરધામમાં વાસ કરી પ્રભુનારાયણના હંમેશ દર્શન કરી આનંદ (દિવ્‍યાનંદ) માનવો તે. તેને ‘દર્શનાનંદ’ પણ કહેવામાં આવે છે. આ ધામમાં રહેનારા આત્‍માઓ નારાયણના શરીરથી દૂર રહે છે. તેઓ નારાયણનો સ્‍પર્શ કરી શકતા નથી. માત્ર દૂરથી પગે લાગી દર્શનનો જ આનંદ અનુભવે છે. પરંતુ પૂણ્‍યબળ પુરું થતાં તેમને પણ મૃત્‍યુલોકમાં પુનઃજન્‍મ લેવા આવવું પડે છે. ‘વિદેશ’ એટલે નારાયણ, અક્ષરબ્રહ્મ, ગૌલોક તથા નાભિ કમળના બ્રહ્મ સહિત છે તે. 

તત્વગુણી અર્ધમાત્રા 
  • અવસ્‍થા - તુર્યાવસ્‍થા, એટલે આત્‍મા જ્ઞાની છે.
  • ગુણ - તત્વગુણી છે, એટલે માયાના ત્રિગુણ મિશ્રિત છે.
  • દેહ - મહાકારણ દેહે તત્વ - ઈચ્‍છા - સ્‍થાન - નારાયણ
  • વાણી - પરાવાણી રીત - નાભિ
  • વર્ણ - શ્વેત (સફેદ)
  • આત્‍મકળા - ૮
  • મુક્‍તિ - સામિપ્‍ય મુક્‍તિ
  • વેદ - યજુર્વેદ - તત્વ - વાયુ
  • લોક - ગૌલોક


પંચમુખી બ્રહ્મા (નારાયણની નાભિમાંથી ઉત્પન્ન થાય છે) 
એમના આત્‍માને પરાત્‍મા કહેવાય છે. 

ગૌલોક: (નારાયણના ભક્‍ત, એ લોકોનો દેહ ઈચ્‍છાધારી છે, અને તે નારાયણને અડી શકતા નથી) 

નારાયણ: (વિશ્વનો લય કરે છે અને ઉત્પન્ન કરે છે.)
  • એમના આત્‍માને બ્રહ્માત્‍મા કહેવાય છે.
  • એમની અંદર ૯૯૯ આત્‍માઓ રહે છે તેને અંશાત્‍મા કહેવાય છે.
  • વિશ્વેશ્વર તત્વગુણી માયા સહિત છે.
  • તેમને તત્વગુણી માયાનો આકાર છે.
  • એમની અંદર માયાના ત્રણે ગુણ છે એટલે એ સગુણ છે.
  • એ વિશ્વાનંદ છે, એટલે તેમને વિશ્વનો આનંદ છે.
  • અને તેમની માયા વિશ્વમાં વ્‍યાપક છે.

અકાર મંડળની રૂપરેખા
ૐકારમાં અકારનું સ્‍થાન પ્રણવદર્શન નં. ૪૧ થી બતાવેલ છે. આ સ્‍થાનને ઇશ્વરકોટિ કહેવામાં આવે છે. તેમાં ચિત્તના દાત્રી આદ્યશક્‍તિ અને આદ્યશક્‍તિના લોક, અહંકારના દાતા શિવ અને શિવના લોક, બુઘ્‍ધિના દાતા વિષ્‍ણુ અને વિષ્‍ણુના લોક અને મનના દાતા ચતુમુર્ખી બ્રહ્મા અને બ્રહ્માના લોકનો વાસ છે. તેઓના આત્‍માને દિવ્‍યાત્‍માના નામે ઓળખવામાં આવે છે. આ ઇશ્વરો ચતુઃકળાત્‍મકવાળા છે. તેઓની વાણી પશ્‍યંતી છે, માયા સત્‍વગુણી, માયાનો વર્ણ પદમરક્ત, પુરૂષોત્તમ, દેહકારણ, તત્વ, અગ્નિ અને અવસ્‍થા જાગૃત છે. તેઓમાં શુઘ્‍ધ જ્ઞાન છે. આ મંડળનો વેદ ઋગ્વેદ છે. આ સ્‍થાનની મુક્‍તિ ‘સારૂપ્‍ય’ છે, એટલે કે તેમના જેવા રૂપેરૂપ અને આકૃતિના થઇ જવું તે, પરંતુ આમાં મૂળ સ્‍વરૂપમાં અને તેના લોકમાં તેજસ્‍વીતા અને શક્‍તિનો તફાવત રહે છે. આ લોકો તે ઇશ્વરોના જેવી જ આકૃતિના થતા હોવાથી તેને ‘સારૂપ્‍ય મુક્‍તિ’ કહેલી છે. અહીંના ઇશ્વરોએ વિશ્વેવરને એટલે કે અક્ષરબ્રહ્મ નારાયણ વિશ્વંભરને વરેલા છે. અહીં દિવ્‍યાનંદ છે. 

આ લોકમાં જનારા આત્‍મા પોતાની સાધના, ઉપાસના, ભક્‍તિ આદિનું પૂણ્‍ય ફળ હોય ત્‍યાં સુધી તે ઇશ્વરોના લોકમાં અને તે સ્‍થાનમાં રહે છે. પણ તે આત્‍મા પૂણ્‍ય પુરું થયેથી પાછો મૃત્‍યુલોકમાં જન્‍મ લે છે. 
‘क्षीणे पूण्‍ये मृर्त्‍यलोकं विशन्‍ति’

ઉપરોક્‍ત મંડળના ઇશ્વરો સગુણબ્રહ્મ (નારાયણ) માંથી સગુણ બ્રહ્મના અંશોને ઇશ્વરોની કળાઓને લઇને થાય છે. તેમાં કોઇ અવતાર દશ કળા, કોઇ પંદર કે સોળ કળાનો થાય છે. અહીં ‘પ્રદેશ’ એટલે અકારમાં ઇશ્વરકોટિના બ્રહ્મા, વિષ્‍ણુ, શિવ, શક્‍તિના પોતાનાં લોકો સહિત સ્‍થાન છે તે.

સત્‍વગુણી અકાર 
  • અવસ્‍થા - જાગૃત અવસ્‍થા એટલે આત્‍મા જાગેલો છે
  • ગુણ - સત્‍વગુણ છે, એટલે આનંદ અને ખુશી
  • દેહ - કારણદેહ
  • તત્વ - મન, બુઘ્‍ધિ, ચિત્ત અને અહંકાર
  • સ્‍થાન - મન - ચતુર્મુખી બ્રહ્મા
  • વાણી - પશ્‍યન્‍તિ વાણી
  • રીત- હૃદય
  • બુઘ્‍ધિ - વિષ્‍ણુ
  • વર્ણ - પદ્મરક્‍ત
  • ચિત્ત - આદ્યશક્‍તિ માતા
  • આત્‍મકળા - ૪
  • અહંકાર શિવ
  • મુક્‍તિ - સારૂપ્‍ય મુક્‍તિ
  • વેદ - ઋગ્વેદ
  • તત્વ - તેજ
  • લોક - શક્‍તિલોક, શિવલોક, વિષ્‍ણુલોક, બ્રહ્મલોક
  • બધા ઈશ્વરો સુખાનંદ છે, એટલે એમને પોતાના અધિકારનું ઉત્તમ સુખ છે.
  • ઈશ્વરોના આત્‍માઓને દિવ્‍યાત્‍મા કહેવાય છે.
  • નારાયણના સત્‍વ, રાજસ અને તામસગુણમાંથી શક્‍તિમાતા ઉત્પન્ન થયા.
  • શક્‍તિના સત્‍વગુણમાંથી વિષ્‍ણુ અને લક્ષ્મી ઉત્પન્ન થયા
  • શક્‍તિના રાજસ ગુણમાંથી બ્રહ્મા અને બ્રહ્માણી ઉત્પન્ન થયા
  • શક્‍તિના તામસગુણમાંથી શિવ અને પાર્વતી ઉત્પન્ન થયા.

મકાર મંડળની રૂપરેખા
ૐકારમાં મકારનું સ્‍થાન પ્રણવદર્શન નં. ૬૬ થી બતાવેલ છે. આ સ્‍થાનને ઇશકોટિ (દેવલોક) પણ કહેવામાં આવે છે. એમાં સૂર્ય - સૂર્યલોક - ચંદ્ર - ચંદ્રલોક - તારાગણ, ઇન્દ્ર, વાયુ, દિકપાળ, અગ્નિ, અશ્વિનીકુમાર, કાળાગ્નિ, મિત્ર, દિવ્‍ય, સુપર્ણ, યમ, ગુરુત્‍માન, બૃહસ્‍પતિ, અને પ્રજાપતિ વગેરે મળી તેત્રીસ કુળના દેવતાઓ રહેલા છે. તેઓના આત્‍માને ‘મહાત્‍મા’ કહેવામાં આવે છે. અને તેઓ ત્રિકળાત્‍મકવાળા હોય છે. તેઓની વાણી મઘ્‍યમા, માયા રજોગુણી, માયાનો વર્ણ પીત્ત (પીળા રંગનો), દેહ સૂક્ષ્મ અને અવસ્‍થા સ્‍વપ્ન છે. આમાં જ્ઞાનાજ્ઞાન છે. આ મંડળનો વેદ સામવેદ છે અને તત્વ જળ છે. આમાં દેવ પુરુષો વસે છે. આ મંડળની મુક્‍તિ સાલોક્‍ય છે. અટેલે યજ્ઞ, યાગ, વ્રત, કથા, શ્રવણાદિ કરે છે તે યજ્ઞાદિ મહાન કર્મોથી સ્‍વર્ગ પ્રાપ્ત કરે છે. આ સ્‍વર્ગમાં વસતા દેવોના શરીરો અજર, અમર છે. એટલે ઘરડા થતા નથી તથા મૃત્‍યુ પામતા નથી અને તે દેહો અખંડ કાયમ રહે છે પણ દેહોમાં વસનારા આત્‍માઓ બદલાયા કરે છે. ‘ક્ષીણે પૂણ્‍યે મૃર્ત્‍યલોકે વિશન્‍તિ’ પૂણ્‍ય પુરું થયેથી તે સ્‍વર્ગના દેવ બનેલ જીવ મૃત્‍યુલોકમાં જન્‍મે છે અને મૃત્‍યુ લોકમાં દાન, પૂણ્‍ય, યજ્ઞાદિ કરી ચૂકોલો જીવ સ્‍વર્ગમાં તે દેવના સૂક્ષ્મદેહમાં પ્રવેશ કરી ત્‍યાં અનેક પ્રકારના સુખ વૈભવાદિ ભોગવે છે. આ સ્‍વર્ગ સ્‍થાન વૈભવાનંદી છે. આ સ્‍વર્ગસ્‍થાનમાં પૂણ્‍ય હોય ત્‍યાં સુધી જ તે દેહમાં રહેવાય છે, પણ પૂણ્‍ય પુરું થતાં પૃથ્‍વી પર પાછું અવતરવું પડે છે આ સ્‍વર્ગ પ્રાપ્તિથી ‘તે લોકના જેવા લોક થવાય’ તેને ‘સાલોક્ય મુક્‍તિ’ કહેલી છે અને આ ઇશ - દેવો કે જેઓ અકાર મંડળના ઇશ્વરોને વરેલા છે. 

રાજસગુણી મકાર: 
  • અવસ્‍થા - સ્‍વપ્ન અવસ્‍થા
  • ગુણ - રાજસગુણ છે એટલે સુખ અને દુઃખ
  • દેહ - સૂક્ષ્મદેહ
  • તત્વ - શબ્‍દ, સ્‍પર્શ, રસ, રૂપ અને ગંધ
  • સ્‍થાન - શબ્‍દ - દિકપાળ દેવ
  • સ્‍પર્શ - વાયુદેવ
  • રસ - વરૂણદેવ
  • રૂપ - સૂર્યદેવ
  • ગંધ - અશ્વિનીકુમાર
  • વાણી - મઘ્‍યમ
  • રીત - ક્‍ંઠ
  • વર્ણ - પિત્ત
  • આત્‍મકળા - ૩
  • મુક્‍તિ - સાલોક્‍ય મુક્‍તિ
  • વેદ - સામવેદ
  • તત્વ - જલ
  • લોક - સૂરલોક, ભુવલોક, મહરલોક, તપલોક, જનલોક, સત્‍યલોક, પિતૃલોક, યમલોક
  • દેવોના આત્‍માઓને મહાત્‍મા કહેવાય છે.
ઉકાર મંડળની રૂપરેખા
ૐકારમાં ઉકારનું સ્‍થાન પ્રણવ દર્શન નં. ૮૮ થી બતાવેલ છે. આ મંડળને ‘જીવકોટિ’ કહેવામાં આવે છે. એમાં ‘જડાત્‍મા’ એટલે ઝાડ , પહાડ, વનસ્‍પતિ વગેરે. જીવાત્‍મા એટલે પશુ, પક્ષી કે પતંગ વગેરે અને ‘આત્‍મા’ એટલે મનુષ્‍યાવતારી જીવોનો સમાવેશ થાય છે. આ સ્‍થાનની વાણી વૈખરી છે. માયા તમોગુણી છે. માયાનો વર્ણ રક્‍ત (લાલ રંગનો) છે. દેહ સ્‍થૂલ છે અને અવસ્‍થા સુષુપ્તિ છે. આમાં અવિદ્યા (અજ્ઞાન) છે. આ મંડળનો વેદ અથર્વ છે. આ સ્‍થાનનું તત્વ પૃથ્‍વી છે. આમાં પુરુષાર્થી છે. મનુષ્‍ય દ્વિકળાત્‍મકવાળા છે. અહીંના જીવ તે મકાર મંડળના ઇશને વરેલા છે. ‘દેશ’ છે. સ્‍વર્ગ, મૃત્‍યુ, પાતાળ હાલ માનેલો દેશ છે. 

તામસગુણી ઉકાર: 
  • અવસ્‍થા - સુષુપ્ત અવસ્‍થા એટલે અજ્ઞાની આત્‍મા
  • ગુણ - તામસગુણ છે એટલે મોહ અને માયા
  • દેહ - સ્‍થૂલદેહ
  • તત્વ - પંચમહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો
  • પંચમહાભૂત - આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્‍વી
  • આકાશ - કામ, ક્રોધ, શોખ, મોહ અને ભય
  • વાયુ - વલન, ચલન, દોડ, પહોળાય અને સંકોચ
  • તેજ - ભૂખ, તરસ, આળશ, નિંદ્રા અને ક્રાન્‍તિ
  • જલ - વિર્ય, લાળ, લોહી, મૂત્ર અને પરસેવો
  • પૃથ્‍વી - હાડકાં, માંસ, ચામડી, નાડીઓ અને વાળ
  • વાણી - વૈખરી વાણી
  • રીત - મોંઢાથી
  • વર્ણ - રક્‍ત (લાલ)
  • આત્‍મકળા - ર
  • વેદ - અથર્વવેદ
  • તત્વ - પૃથ્‍વી
  • લોક - ભૂરલોક


પંચ જ્ઞાનેન્દ્રિયો 
  • કાન, ચામડી, જીભ, આંખ અને નાક
  • કાનના દેવતા છે દિકપાળ
  • ચામડીના દેવતા છે વાયુ
  • જીભના દેવતા છે વરૂણ
  • આંખના દેવતા છે સૂર્ય
  • નાકના દેવતા છે અશ્વિનીકુમાર


પાંચ કર્મેન્દ્રિયો
  • વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્‍થ
  • વાણીના દેવતા છે અગ્નિ
  • હાથના દેવતા છે ઇન્દ્ર
  • પગના દેવતા છે વમનજી
  • ગુદાના દેવતા છે યમ
  • ઉપસ્‍થના દેવતા છે પ્રજાપતિ
કડાંગ
સત્‍વગુણી કડાંગ - જગતમાં પ્રવેશ કરવાનો દ્વાર 

રાજસગુણી કડાંગ - ચોસઠમુખી બ્રહ્માનું સ્‍થાન 
  • નારાયણના હૃદય કમલમાં ૯ પાંખડી છે.
  • તેની દરેક પાંખડીની ઉપર બીજી ૭ પાંખડી છે.
  • ૯ * ૭= ૬૩ એટલે ત્રેસઠ પાંખડીના ત્રેસઠ મુખ છે.
  • ચોસઠમું મુખ નારાયણના ઈચ્‍છા તત્વનું છે.
  • નારાયણના તત્વગુણી માયાના ચોસઠ મુખ છે. તેના રૂપે ચોસઠમુખી બ્રહ્મા ઉત્પન્ન થયા છે.


તામસગુણી કડાંગઃ 
  • જગતમાં પ્રવેશ કરવાનું દ્વાર
  • નિમિત્ત પ્રલય - બ્રહ્માની રાત્રીના સમયે જગતનું લય થાય છે.
  • પૃથ્‍વી પ્રલય - જયારે બ્રહ્માના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સ્‍વર્ગ, પૃથ્‍વી અને પાતાલનો લય થાય છે.
  • મહાપ્રલય - જયારે શક્‍તિના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ઉકાર, મકાર, અકાર અને કડાંગનો લય થાય છે.
  • આત્‍યંતિક પ્રલય - જયારે નારાયણના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આખા બ્રહ્માંડનો લય થાય છે.
ત્રિગુણી ઊભી લીટી (ત્રણ ગુણોનો સંગમ - વચ્‍ચેની ઊભી લીટી )
ત્રિગુણી ઊભી લીટી ઉકાર, મકાર, અકારને કડાંગ સાથે જોડી રાખે છે, રાજસ, તામસ, સત્‍વ એ ત્રણે ગુણોનું ઐક્‍ય સ્‍થાન છે. 
અન્‍ય ધર્મોમાં ૐ ના નામો
  • “આમીન” પશ્ચિમના ખ્રિસ્‍તી દેવળોમાં “આમીન” શબ્‍દનું “Amen” ઉચ્‍ચારણ (ખ્રિસ્‍તી ધર્મ)
  • “Amen” અમીન એટલે વિશ્વાસુ - ઇસ્‍લામ ધર્મ.
  • “બિસ્‍મિલ્લા” - “૭૮૬”
  • “હમ” HUM તિબેટના લોકો
  • “આમીન” “(Amen)” ઈજિપ્‍શિયન, ગ્રીક, રોમન, યહુદી
  • “આમીન” એટલે “તથાસ્‍તુ!” (આશીર્વચન) હિબ્રુ ભાષામાં
  • “આમીન” શબ્‍દનો અર્થ પ્રમાણિક થાય છે.
  • “These things saith the Amen, the Faithful & true witness, the beginning Of the creation of God” (Revelation 3:14) “આમીન” કહેવાય છે કે જે સૃષ્ટિની ઉત્‍પત્તિના મૂળની પ્રમાણિકતાપૂર્વક સાક્ષી પૂરે છે.”
  • “In the beginning was the word, and The Word was with God, and the Word was God.” (John, 1: 1)
  • “શબ્‍દ બ્રહ્મ” તે જ ઇશ્વર કારણ કે તે ઇશ્વર પાસે હતો અને તેજ “શબ્‍દ બ્રહ્મ” ઉત્‍પત્તિ વખતે હતો.
  • “Faith cometh by hearing, and hearing by the word of God” (Romans 10: 17) વિશ્વાસ સાંભળવાથી આવે છે, દૈવી શબ્‍દથી સાંભળવાની શક્‍તિ આવે છે.
પ્રણવ ૐકાર સમજૂતી વિડિઓ
પ્રણવ ૐકારનું વિસ્‍તૃત જ્ઞાન સંપાદન કરવા “વિજ્ઞાન વલ્લભ” તેમ જ “વલ્લભ પ્રણવદર્શન” ગ્રંથોનું વાંચન કરવું જરૂરી છે, તથા “પ્રણવ ૐકારની સમજૂતી” વિડિઓ પણ નિહાળો.

No comments:

Post a Comment